ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

નિગરાની હેઠળ લોકશાહી

નાગરિક અને માનવાધિકારના જાપ્તાને સીધો ખતરો વૈશ્વિક ચિંતાનો વિષય છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

આપણી લોકશાહી જાપ્તા હેઠળ છે. બંધારણીય પરિમાણોમાં વ્યક્તિગત સ્તરે વ્યક્ત કરવામાં આવતી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરા તરીકે ગણી શકાય નહીં. તાજેતરના અહેવાલો સૂચવે છે કે પેગાસસ નામના સ્પાયવેર સોફ્ટવેર દ્વારા સંખ્યાબંધ ભારતીયોને જાપ્તા હેઠળ રાખવામાં આવ્યા હતા આ સોફ્ટવેર મુખ્યત્વે વોટ્સએપ દ્વારા ડેટા સાથે ચેડા કરીને સંચાલિત થાય છે. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, સ્પાયવેર મોબાઇલ ફોનમાં રહેલી તમામ બાબતો કોલ, મેસેજ, પાસવર્ડ અને કોન્ટેક્ટ લિસ્ટ વગેરે પર જાપ્તો રાખી શકે છે. તે ફોનની નજીકની ગતિવિધીને પકડવા માટે ફોનનો કેમેરો અને માઇક્રોફોન પણ ચાલુ કરી શકે છે. પેગાસસ ઇઝરાયેલી એનએસઓ ગ્રુપ ટેક્નોલોજીસની માલિકીનો સોફ્ટવેર છે અને સાઉદી અરેબિયન સરકાર દ્વારા લોકોની જાસૂસી કરવા, તેમને ધમકાવવા અને તેના પર નજર રાખવા માટે તેમની સેવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, સોફ્ટવેરની મદદથી વોશિંગ્ટન પોસ્ટના કટારલેખક જમાલ ખાશોગીની 2018માં ઇસ્તંબુલમાં સાઉદી અરેબિયન કોન્સ્યુલેટમાં હત્યા કરાઈ હતી. પેગાસસ સ્પાયવેરનો ઉપયોગને લઈને સંસદમાં ભારત સરકારનો જવાબ ઉડાઉ હતો અને તેનો બચાવ સંપૂર્ણપણે રાષ્ટ્રીય સુરક્ષા પર ટકેલો હતો. વર્તમાન કાયદા અંતર્ગત, સરકાર પાસે જાહેર સલામતીને નુકસાન પહોંચાડવાની અથવા રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડતી આત્યંતિક કટોકટીની સ્થિતિમાં ખાસ સંદેશાઓને અટકાવવાની સત્તા છે. પરંતુ, સુપ્રીમ કોર્ટના 2018માં ભારતના કે.એસ. પુટ્ટાસ્વામી વિ યુનિયનના કેસમાં અવલોકન પ્રમાણે, રાષ્ટ્રીય સુરક્ષાનો દરેક વસ્તુ માટે કવચ તરીકે ઉપયોગ કરી શકાતો નથી.

આ અત્યંત ઘૃણાસ્પદ સ્વરૂપમાં જેમના પર જાપ્તો રખાયો તે 121 વ્યક્તિમાંથી, મોટાભાગના એક્ટિવિસ્ટો, શિક્ષણવિદો અને પત્રકારો છે. આ લોકોના જ્ઞાન અને અભિપ્રાયોને રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતામાં ખપાવવામાં આવી છે, પરંતુ દેશની માનવ અધિકારની જવાબદેહી અને તેના ઉલ્લંઘન અંગેના તેમના પ્રશ્નો સરકાર તેમજ અમલદારો માટે જોખમી બની શકે છે. અભિપ્રાય-નિર્માતાઓને જાપ્તા હેઠળ રાખવા માટે સરકારના હેતુઓ અને આવા અતિશય પગલાં અંગે આપણે સવાલ ઉઠાવ્યા છે.

26/11 ના મુંબઈ હુમલાની ગુપ્તચર તંત્રની નિષ્ફળતા પછી, ભારત વિસ્તૃત ડેટાબેસેસ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સરકાર લોકોની દેખરેખ રાખવા માટે સર્વેલન્સ ડેટાબેસેસ અને સેન્ટર્સ બનાવવા માટે મોટા પ્રમાણમાં નાણાં ખર્ચ કરી રહી છે. નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ અથવા NATGRID, સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ (CMS) અને નેશનલ ઓટોમેટેડ ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ ઓફ ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ (સીસીટીએનએસ) જેવા પ્રોજેક્ટ્સ પોલીસ રાજ ઉભુ કરવા મદદ કરી રહ્યા છે, તેના દુરુપયોગને અટકાવવાના કોઈ કાયદાકીય સલામતી પગલા કે મિકેનિઝમ વગર જ. આ પ્રણાલીઓનો વધારે વ્યાપ બતાવે છે કે દેશ કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિ ઉપર નજર રાખવાની શક્તિ ધીરે ધીરે પ્રાપ્ત કરી રહ્યો છે. આ ડેટાબેસેસ વાસ્તવિક બની રહ્યા છે, ત્યારે આપણે એ જોવું રહ્યુ કે ભારતમાં દેખરેખનું નિયમન કરવામાં આપણે એક દાયકો પાછળ છીએ. કાયદાની મંજૂરી વિના અને એક્ઝિક્યુટિવ ઓર્ડરનો ઉપયોગ કરીને માહિતી પ્રાપ્ત કરવાની આ પ્રથા બીજી ગંભીર ચિંતા છે. ઉદાહરણ તરીકે,  એક્ઝેક્યુટિવે આધાર પરિયોજનાનું કાયદાની મંજૂરી વિના પૂરતા કાનૂની માળખા અથવા ડેટા સુરક્ષા માળખા વિના દબાણ કર્યું નહીં અને તેને ફરજિયાત કર્યુ. પ્રોજેકટ હવે સુરક્ષા મુદ્દાઓને લઈને શકના દાયરામાં છે અને અસરગ્રસ્તો માટે કોઈ આશ્રય નથી.

દેશ નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે બંધાયેલો છે, અને આપણો ગોપનીયતાનો અધિકાર તેમાંનો એક છે. એનએસઓ ગ્રુપ ટેક્નોલોજીસ જેવી સંસ્થાઓને તે અધિકાર ઉપર તરાપ મારવાની પરવાનગી એ એક ગંભીર અપરાધ છે. સિક્યુરિટી એજન્સીઓ દ્વારા ગોપનીયતાનો અધિકાર યોગ્ય પ્રક્રિયા વિના અને આવી બેદરકારીપૂર્વક રીતે છીનવી શકાતો નથી અને આત્યંતિક સંજોગોનું નિર્માણ ન થાય ત્યાં સુધી તેનું ઉલ્લંઘન કરી શકાતું નથી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા ભ્રષ્ટાચારના કેસમાં ગેરકાયદેસર દેખરેખનો ઉપયોગ કરીને મેળવેલા પુરાવાના ઉપયોગ અંગેની દુવિધામાં બોમ્બે હાઈકોર્ટના તાજેતરના ચૂકાદાએ આગળનો રસ્તો બતાવ્યો હતો. કોર્ટે પુરાવાઓને નામંજૂર કર્યા અને સાથે આદેશ કર્યો કે બધી માહિતી કાઢી નાખવામાં આવે. કોર્ટને આ ભ્રષ્ટાચારના કેસમાં એવી કટોકટી ન દેખાઈ કે જ્યાં સીબીઆઈ દ્વારા લોકોની સલામતીને જોખમમાં મૂકવામાં આવે.

રાજકીય લાભ માટે પણ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2015માં સર્વેલન્સને નિયંત્રિત કરતી ઇટાલિયન સંસ્થા હેકિંગ ટીમ દ્વારા લીક કરેલા ઇમેઇલ્સનો સમૂહ દર્શાવે છે કે આંધ્રપ્રદેશ પોલીસ ફોનમાં ઘુસણખોરી સાધનો ખરીદવામાં રસ ધરાવે છે. આ રસ આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન દ્વારા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહને તેમના રાજકીય હરીફ તેલંગાણાના તત્કાલીન મુખ્ય પ્રધાન દ્વારા ટેપ કરવામાં આવતા હોવાની ફરિયાદને આધારે પેદા થયો હતો. બીજા એક દાખલામાં, છત્તીસગ સ્ટેટ પોલીસના સભ્યોએ એનએસઓ ગ્રુપ ટેક્નોલોજીસના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હોવાના અહેવાલ છે. કાનુન ભંગ અંગે સરકારે વોટ્સએપ પાસેથી વધુ માહિતીની માંગ કરી હતી, પરંતુ તે પોતાની એજન્સીઓને પૂછવામાં નિષ્ફળ રહી કે તેઓ શું કરી રહી છે.

માહિતી અધિકાર અધિનિયમ સહિત દરેક કાયદામાં કોઈ નિરીક્ષણ અને છૂટ નથી અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ આપણી લોકશાહી માટે જવાબદાર બની ગઈ છે, કેમ કે તેમનો ઉદ્દેશ સંવેદનશીલ લોકોનું રક્ષણ કરવાને બદલે સત્તામાં રહેલા લોકોનું રક્ષણ કરવાનો હોય એમ લાગે છે. ભારતમાં સર્વેલન્સ સુધારણાની તાતી જરૂરિયાત છે અને પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 2019 પર સંસદમાં આગામી ચર્ચામાં કાળજીપૂર્વક તપાસ કરવી જરૂરી અને તેના પર અહેવાલ આપવો જોઇએ. જન પ્રતિનિધિઓએ પારદર્શિતાની માંગ કરવી જોઇએ અને હાલની સર્વેલન્સ પદ્ધતિઓનું પરીક્ષણ કરવું જોઈએ અને ગેરબંધારણીય પ્રણાલીઓને જવાબદાર બનાવવી જોઈએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી પરની સંસદીય સમિતિએ પેગાસસ મુદ્દા પર તેની તપાસ ઝડપી કરવી જોઈએ અને વહેલી તકે એક વ્યાપક અહેવાલ આપવો જોઈએ. આ એવી ક્ષણો છે જે આપણી લોકશાહીના વસ્ત્રના તાણાવાણાની કસોટી કરે છે, અને ભારતીય સંસ્થાઓને મૂળભૂત અધિકાર માટે આગળ આવવાની જરૂર છે.

Back to Top