ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

વિદ્યાર્થીનું મોત રાષ્ટ્રીય ખોટ

હાંસિયામાં ધકેલાયેલા અને લઘુમતી વર્ગના યુવાન વિદ્યાર્થીઓની આત્મહત્યા રાષ્ટ્રીય નિષ્ફળતા તરફ ઇશારો કરે છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

જેમણે પોતાનો જીવ આપી દેવાની ફરજ પડી એવા મૃત વિદ્યાર્થીઓની યાદીમાં વધારો જ થતો જાય છે. વિગતોની રીતે જોતા આત્મહત્યાના કેસો વ્યક્તિગત સ્તરે જુદા હોઈ શકે છે, પરંતુ તેમાં બે નિર્ણાયક પરિબળો મોટા ભાગે સરખા હોય છે. પ્રથમ, ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં આત્મહત્યા કરનારાની યાદી જોઈએ તો તેમાં મોટાભાગે વંચિત જાતિ અને ધાર્મિક લઘુમતીઓના વિદ્યાર્થીઓ છે. બીજું, તેમની ફરિયાદો અને તકલીફોને જે તે સંસ્થાના અધિકારીઓ દ્વારા અવગણવામાં આવી હતી. તેમાંના કેટલાક તેમની આત્મહત્યા પછી પરિચિત નામો બની ગયા છે. જેવા કે અનિલ મીના, રોહિત વેમુલા, સેન્થિલ કુમાર, પાયલ તડવી, નજીબ અહમદ અને હવે 9 નવેમ્બરના રોજ તેમાં ફાતીમા લતીફનો ઉમેરો થયો છે. જોકે હજારો નામોની આ યાદી છે. સરકારી નિવેદનો અનુસાર, 2014 અને 2016 ની વચ્ચે દેશમાં કુલ 26,500 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. આ બધાના પરિવારના સભ્યો અને મિત્રોને કાયમી આઘાતમાં સરી પડે છે. મોટાભાગના પરીક્ષાના પરિણામોમાં ઉંચી ટકાવારીની માંગણીઓની હોડના કારણે તાણનો શિકાર થઈને મોતને વહાલુ કરે છે. એક રાષ્ટ્ર તરીકે આપણે હજી પણ ફરિયાદો અને મદદનો સામનો કરવા માટેની મિકેનિઝમ્સ ગોઠવવા અને પગલાં ભરવામાં અસમર્થ છીએ એ ભારે શરમજનક છે.

આવા આપઘાતને અટકાવવામાં અર્થપૂર્ણ ભૂમિકા નિભાવવામાં નિષ્ફળતા માટે કોઈક સંસ્થાઓનું તો ધ્યાન દોરવું જ રહ્યું. ઉદાહરણ તરીકે, તામિલનાડુમાં જાન્યુઆરી, 2016માં હોમિયોપેથીમાં ભણતી ત્રણ દલિત મહિલા વિદ્યાર્થીઓએ આપઘાત કરી લીધો હતો. આ ત્રણેયે કોલેજના અધ્યક્ષને અને રાજ્યના અધિકારીઓને પણ આકરી ફીના ત્રાસની અને અપુરતા જીવન નિર્વાહ અને અભ્યાસની સુવિધાઓની અનેક ફરિયાદો કરી હતી. અંતે, આ ગરીબ ઘરની ત્રણ કિશોરોએ નિર્ણય લીધો કે આત્મહત્યા કરવી એ જ એક માત્ર રસ્તો છે અને આપઘાત કરીશું તો આપણો અને આપણા સાથી વિદ્યાર્થીઓનો અવાજ સંભળાશે.

દુખની વાત એ છે કે જ્યારે મીડિયા આવી સ્યુસાઇડ નોટ્સ પ્રકાશિત કરે છે, ત્યારે આ વિદ્યાર્થીઓને મૃત્યુ બાદ પણ દગો મળે છે. થોડા દિવસો કે અઠવાડિયા સુધી આ નોટ્સ સોશિયલ મીડિયા પર "શેર" કરવામાં આવે છે અને તેના પર કોમેન્ટ્સ કરવામાં આવે છે. તે પછી, ફરી પાછું હતુ તેમનું તેમ. કેટલાક અપવાદોને બાદ કરતા પોલીસ તપાસના ફોલો-અપ કે આવી આત્મહત્યાની જાતતપાસ કરવા અને અધિકારીઓને દોષીતો પર કાર્યવાહી માટેનું દબાણ લાવવા માટે કોઈ પ્રયાસો કરવામાં આવતા નથી. આમાના મોટાભાગના કેસમાં, પ્રથમ સનસનાટીભર્યા અહેવાલ સિવાય, કેસની સ્થિતિ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ હોતી નથી.

જોકે આમાં મીડિયા કરતા પણ વધુ જવાબદાર ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના અધિકારીઓ છે. તેઓ તો તેમના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેન્કિંગનો ગર્વ લેતા ફરે છે અને તેમના પોતાના વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને અવગણે છે. મોટાભાગના દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓ અને અન્ય લઘુમતીઓનાં વિદ્યાર્થીઓ ભારે સામાજિક અને આર્થિક ભોગ આપીને આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે, તેઓ તેમની આસપાસના અજાણ્યા ક્ષેત્ર સાથે તાલ મેળવવા માટે સંઘર્ષ કરે છે. સામાન્ય રીતે, તેઓ મોટેભાગે બિન-અંગ્રેજી માધ્યમની સંસ્થાઓમાંથી આવતા હોવાથી શિક્ષણના અંગ્રેજી માધ્યમ અને સાથી વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપના માધ્યમને અનુસરવામાં તકલીફ અનુભવે છે. એ પ્રશ્ન પણ ઉઠે છે કે તેમના માટે સપોર્ટના માળખા કેટલા અસરકારક છે, અને, જો તે માળખું અસ્તિત્વમાં હોય, તો તે કેટલું સંવેદનશીલ છે? અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ અને ટોચના તબીબી અને અન્ય સંસ્થાઓમાં હાંસિયામાં ધકેલાયેલા વર્ગના વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવતા અલગ વ્યવહારોના અવારનવાર રિપોર્ટ પ્રગટ થાય છે. આ રિપોર્ટનું શું કરવામાં આવે છે અને તેમના સૂચનોનો અમલ થાય છે કે કેમ તેની ખાતરી કરવા માટે કઈ પદ્ધતિ છે કે નહી તે રહસ્યની બાબત છે. આ રિપોર્ટમાં બાહ્ય અને આંતરિક આકારણી અને મૂલ્યાંકન, આવા વિદ્યાર્થીઓ પ્રત્યે ફેકલ્ટીના વલણ અને વર્તન, વર્ગના પ્રતિનિધિઓની ચૂંટણીઓ વગેરે વિશેનાં પગલાં શામેલ છે. અહીં એ કહેવાની જરૂર નથી કે આ વિદ્યાર્થીઓને તેઓ છાત્રાલયો, કેન્ટિન, મેસ અને વર્ગખંડોમાં જે ભેદભાવનો સામનો કરે છે તેના ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ ક્ષેત્રો પર ભાગ્યે જ કોઈ ધ્યાન આપવામાં આવ્યું છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-મદ્રાસ (આઈઆઈટી-એમ) “હ્યુમેનિટીઝ” વિભાગમાં અભ્યાસ કરતી ફાતિમા લતીફના કિસ્સામાં, તેના માતાપિતાએ આરોપ લગાવ્યો છે કે કેટલાક ફેકલ્ટી તેમની પુત્રીને ત્રાસ આપતા હતા, અને તેનાથી ત્રસ્ત થઈને ફાતિમાએ આત્યંતિક પગલું ભરવાની ફરજ પડી હતી. મીડિયા અહેવાલ કહે છે કે આ સંસ્થામાં છેલ્લા એક વર્ષમાં પાંચ વિદ્યાર્થીઓના આત્મહત્યાના કેસ નોંધાયા છે.

સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું છે કે જરૂરિયાતના કિસ્સામાં સહાય માટે સંસ્થામાં કાઉન્સેલિંગ મિકેનિઝમ અને વેલનેસ સેન્ટર, ફેકલ્ટી મેન્ટર્સ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. મીડિયાએ એ પણ અહેવાલ આપ્યો છે કે કેન્દ્ર સરકાર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને કાઉન્સેલિંગ અને વેલનેસ સેન્ટરો ઉભા કરવા માટેની દરખાસ્ત કરી રહી છે. આવા રૂટિન પગલાથી આગળ વધવાની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઈ છે. સ્પષ્ટ છે કે, અનામત પ્રણાલી કે કાઉન્સેલરોની ભરતીની ખાતરી એ માટે પૂરતું નથી. ધ્યાન એ વાતે કેન્દ્રિત કરવું જોઈએ કે અદ્યતન શિક્ષણ, તર્કસંગત અને વૈજ્ઞાનિક વિચારને અને શિષ્યવૃત્તિ નિષ્ફળ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની જવાબદારી સાથેની સંસ્થાઓ ચોક્કસ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓમાં કેમ વારંવાર નિષ્ફળ જાય છે. જેઓ તેમના સમુદાયોના અન્ય લોકો માટે રોલ મોડેલ બની શકે તેવા આ યુવા વિદ્યાર્થીઓને શા માટે એવું લાગે છે કે આટલા બધા અવરોધો અને વિભિન્ન સંજોગોમાં લડ્યા પછી હવે જીવન સમાપ્ત કરી દેવું જ વધુ યોગ્ય છે?

આવા સંવેદનશીલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જાહેર વાર્તાલાપોની જગ્યાએ, વાર્તાલાપો વિષય મોટેભાગે “મેરિટ” અને “ક્વોટા” બની જાય છે. વંચિતો અને લઘુમતીઓનું પ્રતિનિધિત્વ કરતા રાજકીય પક્ષો પણ લાંબા ગાળાના પગલાની દ્રષ્ટિએ ચર્ચાઓ અને કાર્યવાહીની માંગ કરતા જોવા મળતા નથી.

આ તેજસ્વી યુવા દિમાગ અને જીવનની ખોટ એ રાષ્ટ્રીય નુકસાન છે. આ પ્રકારના નુકસાન સામે તાત્કાલિક પગલા ભરવા માટે ક્યારે ગંભીર માનવામાં આવશે?

Back to Top