ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

અવિચારી નાણાકીય ઠરાવ

એફઆરડીઆઇ બિલ હાલના નાણાકીય વસ્તુસ્થિતિમાં અસ્થિરતા લાવી શકે છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

માર્ચ ૨૦૧૭ સુધીમાં, સ્કેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો (એસસીબી)ની એકંદર નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (જીએનપીએઝ)ના આંકડા માર્ચ ૨૦૧૪માં ૨.૬ ટ્રિલિયન ડોલરથી વધીને લગભગ ૮ ટ્રિલિયન થઈ ગયા હતા. આ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં રૂ. ૪.૫૮ ટ્રિલિયનની ઢગલાબંધ ખરાબ-લોનનું લેણું લખી વાળ્યું હોવા છતાં આમ બન્યું છે. નાણામંત્રાલયનો દાવો છે કે મે ૨૦૧૬માં ઘડવામાં આવેલી નાદારી અને નાદારીની કલમ તણાવયુક્ત અસ્કયામતોની વસૂલાતમાં ઝડપથી વધારો કરશે. તેમ જ મંત્રાલયે સૂચવેલ નાણાકીય ઠરાવ અને ડિપોઝિટ ઇન્શ્યોરન્સ (એફઆરડીઆઇ) બિલ 2017, કોઈ પણ બેન્કિંગ અથવા નાણાકીય સંસ્થાની નિષ્ફળતાઓને ખરાબ-લોનની સમસ્યા નિવારવા મદદરૂપ નીવડશે.

એફઆરડીઆઇ બિલ એક સમર્થ અને અધિકૃત નાણાકીય નિગમ “રીસોલ્યુશન કોર્પોરેશન”ની સ્થાપના કરવાની ભલામણ કરે છે, જેથી નાણાકીય ક્ષેત્રમાં સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓની નિષ્ફળતાનું નિરાકરણ લાવી શકાય. આ ઈન્સોલ્વેન્સી એન્ડ બેંકરપ્ટ્સી બોર્ડ ઓફ ઈન્ડિયા (IBBI)થી અલગ છે, જે ખાનગી કોર્પોરેટ સેક્ટરના ઋણની વસુલાતના હેતુથી સ્થાપવામાં આવ્યું હતું. આ એવું દેવું હતું જે સહનશીલતાની હદ ઓળંગી ચૂક્યું હતું તેમજ એણે મેક્રોઇકોનોમિક સ્તરે ક્રેડિટ (ઉધાર)ની માંગ અને પુરવઠા એમ બંને પર તીવ્ર અસરો કરી હતી. સૂચિત નાણાકીય નિગમ નવા નિયમનકારી માળખાને લાવીને કોઈ પણ બેન્કોની અથવા નાણાકીય કટોકટી ફાટી નીકળવાથી રોકવાનો પ્રયાસ કરે છે. આ નિયમનકારી માળખું નિષ્ફળ રહેતી નાણાકીય સંસ્થાઓનો વ્યવસ્થાપૂર્ણ નિકાલ અને મોટી નાણાકીય સંસ્થાઓને સંભવિત ચેપથી સુરક્ષિત રાખવા વિશે ખાતરી કરશે એવી ધારણા છે. જોકે, એવા કેટલાક કારણો છે જે બતાવે છે કે એફઆરડીઆઈ બિલમાં સૂચિત નાણાકીય નિગમની જોગવાઈ અમુક કોયડા સુધારવાની સાથે વધુ પ્રમાણમાં કોયડા ઊભા કરી શકે છે.

રીસોલ્યુશન કોર્પોરેશનની રચના નાણાકીય સમસ્યાઓનો ઉકેલ લાવનાર નવાં સાધનોથી સશક્ત છે. જેમ કે, અસ્ક્યામતોનું સંપાદન અને માલિકીની તબદીલીના પરંપરાગત સાધનો સહિત "બેઇલ-ઇન" અને બ્રિજ સર્વિસ પ્રોવાઇડર્સ. એ ઠરાવ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ (એફએસબી) દ્વારા ગ્રુપ ઓફ ટ્વેન્ટી (G20)ની છત્રછાયામાં વિકસાવવામાં આવેલું માળખું છે. આ ઠરાવમાં પ્રસ્તાવિત સુધારા વૈશ્વિક અને સ્થાનિક "સિસ્ટમેટિક્લી ઈમપોર્ટન્ટ બેન્કસ્” (વ્યવસ્થાપૂર્ણ મહત્ત્વની બેન્કો) અને નાણાકીય સંસ્થાઓ માટે ઉચ્ચ મૂડી પર્યાપ્તતાની જરૂરિયાતોથી સંકળાયેલ બેઝલ III બૅન્કિંગ નિયમન સુધારણાના પૂરક છે. આ સુધારણાઓનો ઉદ્દેશ્ય, “ટુ-બિગ-ટુ-ફેઈલ” (એટલી મોટી કે નિષ્ફળ ન જઈ શકે) એવી બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ નૈતિક સંકટને સંબોધિત કરવાનો છે અને ભવિષ્યમાં, નિષ્ફળ થયેલી સંસ્થાઓની જામીનની ચૂકવણી રાજ્ય ભંડોળમાંથી ન કરવામાં આવે એવો છે, જે 2007-08ની નાણાકીય કટોકટી દરમિયાન અને એ પછી જોવા મળ્યું હતું. જોકે, જાહેર માલિકીની બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પર પ્રભુત્વ ધરાવતી ભારતીય નાણાકીય વ્યવસ્થા જોડે એ કટોકટી અને એના પ્રત્યેની પ્રતિક્રિયાનો કંઈ ખાસ નિસ્બત નથી. હકીકતમાં, જાહેર ક્ષેત્રના પ્રભુત્વે ભારતીય નાણાકીય ક્ષેત્રને કટોકટીથી દૂર રાખવા મદદ કરી છે. અને આ હકીકત ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) નોંધી છે.

એના વિરોધાભાસ તરીકે, એફઆરડીઆઇ બિલ ભારતની જાહેર ક્ષેત્રની બેન્કો (PSBs) તેમજ નાણાકીય સંસ્થાઓના (ડેટ રિઝોલ્યુશન) ૠણ પતાવટને લગતી સરકારી બાંયધરીઓને ઢીલી કરવા માંગે છે, જે નાણાકીય સ્થિરતાનો મુખ્ય પાયો છે. એ તણાવયુક્ત PSBs અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી વસુલાત અને પતાવટ પ્રક્રિયા અંગેની યોજના બનાવવાનો અને એને અમલમાં મૂકવાનો અધિકાર સરકાર અને આરબીઆઈ પાસેથી ખેંચી લેવાની અને ઠરાવ કોર્પોરેશન બનાવવાની સરકારને દરખાસ્ત કરે છે. પણ એના લીધે બેઈલ-ઈન (જામીનગીરી)ની એવી જોગવાઈ ઊભી થઈ શકે, જે બિનવીમાકૃત બૅન્ક ડિપોઝિટ અને અન્ય ૠણની સંભાવ્યતાને ઇક્વિટી-જેવા સાધનોમાં બદલી નાખશે, જેથી નિષ્ફળ કંપનીઓને ફડચામાં લઈ શકાય અથવા મૂડી પૂરી પાડી શકાય. બેન્ક રન (એટલે કે રોકાણકારો દ્વારા રોકાણ ઝડપથી પાછું ખેંચવા)ની શક્યતાને નકારી શકાય નહીં. આ જોગવાઈ પહેલાંથી બૅન્ક થાપણદારો વચ્ચે વિખવાદનું કારણ રહી છે, અને જો કાયદો ઘડવામાં આવશે, તો નાણાકીય અસ્થિરતા લાવવાની ક્ષમતા ધરાવે છે.

એફએસબીના મોટાભાગના વિકાસશીલ દેશોએ અત્યાર સુધી સૂચિત રીસોલ્યુશન કોર્પોરેશન જેવા નિર્ણાયક અગ્રેસરની રચના કરવાનું ટાળ્યું છે, જે આરબીઆઈ, વીમા રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી (આઈઆરડીએ), સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (એસઈબીઆઈ) અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) જેવી વર્તમાન નિયમનકારોના તમામ નાણાકીય પતાવટ અંગેના અધિકારોને એની સત્તા નીચે લાવશે. નાણાકીય સ્થિરતા જાળવવાના સંદર્ભમાં આરબીઆઇના વૈધાનિક આદેશને ધ્યાનમાં લેતાં, તણાવયુક્ત નાણાકીય કંપનીઓના જોખમનું મૂલ્યાંકન અને એના નિરાકરણની પદ્ધતિઓ તેમજ સાધનો પર ઠરાવ કરવા અધિકૃત અવયવો અને સેન્ટ્રલ બેન્ક વચ્ચે નિયમનકારી ઘર્ષણ ઊભું થવાની સંભાવના છે.

રીઝોલ્યુશન નિગમ ફરતેની અનિશ્ચિતતામાં ઉમેરો કરતી એક બીજી બાબત એ છે કે એફઆરડીઆઇ બિલમાં થાપણ વીમાની મર્યાદાનો ઉલ્લેખ કરતી કોઈપણ રકમ જણાવવામાં આવી નથી, તેમ છતાં તે હાલના ડિપોઝિટ વીમા કાયદાને રદ કરવાની દરખાસ્ત કરે છે. કોઈ પણ કિસ્સામાં, એ તો કહેવું જ રહ્યું કે, થાપણદાર દીઠ મહત્તમ વીમા રકમની નોંધપાત્ર વૃદ્ધિ મુદતથી મુલતવી રહેલ છે, કારણ કે રૂ. ૧ લાખની હાલની મર્યાદા ૨૪ વર્ષ પહેલાં મૂકવામાં આવી હતી.

જોકે, લોકસભામાં સરકાર બહુમતીનો આનંદ માણે છે, પરંતુ એફડીઆરઆઇ બિલ જેવો કાયદો પસાર કરવા તે પોતાની સંસદીય બહુમતીનો ઉપયોગ કરે એવી સલાહ આપવી સારી નહિ નીવડે, જેની સંવેદનશીલ નાણાકીય ક્ષેત્ર પર ગંભીર અસરો થશે. એફઆરડીઆઇ બિલના અંતર્ગતની વિચારધારા ફાઇનાન્શિયલ સેક્ટર લેજિસ્લેટિવ રિફોર્મ્સ કમિશનની રિપોર્ટ પર આધારિત છે, જે અન્ય સૂચનોની સાથે સાથે, "માલિકીની તટસ્થતા" પર ભાર મૂકે છે. આનો અર્થ એવો થાય છે કે PSBs એની જાહેર માલિકીથી મેળવવામાં આવે એવા "સ્પર્ધાત્મક ફાયદા" વગર, નાણાકીય ક્ષેત્રમાંની ખાનગી મૂડી સાથે સ્પર્ધા કરે. PSBs અને નાણાકીય સંસ્થાઓ માટે સ્પષ્ટ અને અભિપ્રેત સરકારી બાંયધરીઓમાં ઘટાડા, જોકે, માત્ર ત્યારે જ PSBsના ભંગુરપણામાં વધારો કરી શકે છે જ્યારે ખરાબ-લોનોના જંગી સંચયથી એમના સરવૈયાઓ પર ગંભીર અસર થઈ હશે.

સરકાર માટે એ જ ડહાપણભર્યું રહેશે કે તે સૂચિત નિગમની સ્થાપનાને ત્યાં સુધી મુલતવી રાખે, જ્યાં સુધી બિન-નાણાકીય કૉર્પોરેટ સેક્ટરમાં ખરાબ લોનો લીધે થયેલી ઉથલપાથલ થાળે પડે. એની જગ્યાએ, સરકારે ભારતીય નાણાકીય માળખા અને પરિસ્થિતિને વધુ અનુરૂપ બને એવી રીઝોલ્યુશન પ્રણાલી ઘડવા પર મગજ કસવું જોઈએ.

Back to Top